About Us

About Mangal Dham bhaguda

શ્રી માંગલ માં તીર્થધામ ભગુડા લાખો લોકોની અખૂટ શ્રધ્ધાને કારણે આ ઐતિહાસિક ધામ આજે જગવિખ્યાત થયું છે. ભગુડા અને આસ પાસના વિસ્તાર મા માતાજી "માંગલ માં" નામથી પૂજાય છે. દેશ વિદેશથી હજારો લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે. ખાસ કરીને મંગળવાર અને રવિવારે મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શન કરવા માટે પધારે છે. એ સિવાય નવરાત્રિમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

મંદિરમાં માતાજી ફળા સ્વરૂપે બિરાજમાન છે. દર્શન માટે મંદિર 24 કલાક ખુલ્લું રહે છે અને સ્વયંસેવકો પણ 24 કલાક શ્રદ્ધાળુઓની વ્યવસ્થા માટે હાજર હોય છે. માતાજીની પ્રાત: આરતી સવારે 5:30 કલાકે અને સાંજની આરતી સૂર્યાસ્ત સમયે (6:30 – 7:30 કલાકે) થાય છે. અહીં માતાજીની પારંપરિક પૂજા-અર્ચના થાય છે. માંનાં ભક્તો માંને 'લાપસી' નો પ્રસાદ ચઢાવે છે. ભક્તો લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે.

અહીં શ્રદ્ધાળુઓને રહેવા માટે પર્સનલ રૂમ્સ અને હોલ(મર્યાદિત સંખ્યામાં) તેમજ પ્રસાદ રૂપે નિઃશુલ્ક ભોજન અને વિશાળ મેદાનમાં વાહન પાર્કિંગની સુવિધાઓ ઉપલબ્ધ છે.

માંગલધામ ભગુડા સંપૂર્ણ પણે ટ્રસ્ટ અને સ્વયંસેવકો દ્વારા સંચાલિત છે. અહીં માતાજીના કોઈ ભુવા કે મહંત નથી અને કોઈ ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી કે કોઈને દોરા-ધાગા આપવામાં આવતા નથી.

વૈશાખ સુદ ૧૨ ના દિવસે મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. જે વર્ષનો સૌથી મોટો ઉત્સવ ગણાય છે. પાટોત્સવના દિવસે લાખોની સંખ્યામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. તે દિવસે રાત્રે લોકસાહિત્યના ડાયરાનું આયોજન પણ કરવામાં આવે છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે વિશ્વ વિખ્યાત સંત મોરારી બાપુ ઉપસ્થિત રહે છે. એ સિવાય ગુજરાતભરના નામી કલાકારો અને લોક સાહિત્યકારો પાટોત્સવના દિવસે માતાજીના સાનિધ્યમાં પધારે છે. લાખો ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડે છે.